Aishwarya Prasango

સદગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીના જીવનના ઐશ્વર્ય પ્રસંગોનું આચમન

ઐશ્વર્ય પ્રસંગો

સદગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીના જીવનના ઐશ્વર્ય પ્રસંગોનું આચમન

શ્રીજી મહારાજની આજ્ઞાથી સદગુરૂ ગોપાળાનંદસ્વામી વડોદરા આવ્યા. અને હાલના મંદિરમાં સભા મંડપ પાસેની નાની રૂમમાં રહેતા હતા. અને સદાશીવભાઈના ઘરે, એમના પ્રેમથી આપેલા આમંત્રણથી રોજ જમવા પધારતા.
રોજ બે થાળ પીરસાતા. એક થાળ સદગુરૂ ગોપાળાનંદસ્વામી માટે, અને બીજો થાળ શ્રીજી મહારાજ માટે. ક્રમશઃ શ્રીજી મહારાજના થાળમાંથી વાનગીઓ ઓછી થતી, સૌને દેખાતી અને સદાશીવભાઈને પ્રત્યક્ષ શ્રીજી મહારાજ જમતા દેખાતા.
આમ સદગુરૂ ગોપાળાનંદસ્વામી જોડે નિત્ય શ્રીજી મહારાજ થાળ જમતા. શ્રીજી મહારાજને એકલા જમવું ગમતું નહોતું, માટે તેઓશ્રી સદગુરૂ ગોપાળાનંદસ્વામી સાથે જમવા આવતા.

એકવાર વડોદરા શહેરમાં બ્રામ્હણોની સભા યોજાઈ, તેમાં આવતી પૂનમે ચંદ્ર ગ્રહણ થવાનું છે, અને વડોદરામાં દેખાવાનું છે. તેવી ચર્ચા ચાલી. અને મોટા પંડિતો સભામાં જાહેર કરવાના હતા કે, આવતી પૂનમે ચંદ્ર ગ્રહણ થશે અને વડોદરામાં દેખાશે, પણ એટલામાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત એક ઉતાવળીયા બ્રામ્હણે પોતાની રીતે રાશીની ગણતરીમાં ભૂલ કરી અને ચંદ્ર ગ્રહણ નહિ થાય તેમ ગણિત બેસતા તેમણે જાહેર કર્યું કે
‘‘ આવતી પૂનમે ચંદ્ર ગ્રહણ નહિ થાય અને જો ચંદ્ર ગ્રહણ થાય તો જનોઈ વઢ લઉ. ’’ (જનોઈ વઢ = જાતે મરણ પામવું)
આખી સભા સ્તબ્ધ થઈ ગઈ, સન્નાટો છવાઈ ગયો. સ્વામિનારાયણ સંપ્રદાય પ્રતિ ઈર્ષા રાખતા તત્વોને આ વખતે લાગ મળી ગયો. તેમણે બીજી વાર પૂછ્યું ખરેખર ચંદ્ર ગ્રહણ નહિ થાય? અને થાય તો જનોઈ વઢ લેશો?. કારણ તેમને ખબર હતી કે આ બ્રામ્હણની ગણતરી માં ભુલ થઈ છે, અને ખરેખર પૂનમે ચંદ્ર ગ્રહણ થશે અને વડોદરામાં દેખાશે, પણ આ સત્સંગી બ્રામ્હણે પોતાની વાત સાચી જ છે એમ કહ્યું.
આખા વડોદરા શહેરમાં આ વાત ચર્ચાનો વિષય બની ગઈ. સત્સંગી બ્રામ્હણે ઘરે જઈને શાંતિથી બધી રાશીની ગણતરી કરી તો આવતી પૂનમે ચંદ્ર ગ્રહણ થશે અને વડોદરામાં દેખાશે, એમ આવ્યું. હવે શું કરવું? તેમ મુંઝાયા, અને તેમને એમના ગુરૂ સદગુરૂ ગોપાળાનંદસ્વામી યાદ આવ્યા. તે વખતે સદગુરૂ ગોપાળાનંદસ્વામી વડોદરામાં હતા, તેઓ સદગુરૂ ગોપાળાનંદસ્વામીને મળ્યા, અને પોતાની થયેલ ભૂલ, અને સભામાં લીધેલી પ્રતિજ્ઞાની વાત કરી.
સદગુરૂ ગોપાળાનંદસ્વામી કશું બોલ્યા નહિ, પણ ભક્ત બ્રામ્હણને કહ્યું કે ”સ્વામિનારાયણ ભગવાન સારૂ કરશે”. અને પૂનમના દિવસે સદગુરૂ ગોપાળાનંદસ્વામીએ રાહુની ગતિ અને દિશા બદલી તેથી ચંદ્ર ગ્રહણ થયું, પણ વડોદરામાં ના દેખાયું, આમ એક સ્વામિનારાયણના ભક્ત સત્સંગી બ્રામ્હણની રક્ષા કરી, આખા વડોદરા શહેરમાં વાત ફેલાઈ ગઈ કે એક સ્વામિનારાયણ ભગવાનના બ્રામ્હણ ભક્ત સાચા, તેમણે જાહેર કરેલ કે ચંદ્રગ્રહણ નહિ થાય, તો વડોદરામાં ચંદ્રગ્રહણ ના દેખાયું.

આમ ગ્રહોની ગતિ બદલી શકવાની ક્ષમતા ધરાવતા હોવા છતાં, આ બધું સ્વામિનારાયણ ભગવાને કર્યું છે. એમ સદગુરુ ગોપાળાનંદસ્વામી કહેતા, આવા નિર્માની સદગુરુ ગોપાળાનંદસ્વામી હતા.

સદગુરુ ગોપાળાનંદસ્વામી જયારે વડોદરામાં હતા ત્યારે એક મંગળ નામનો યુવાન સ્વામીની ખુબ સેવા કરતો હતો. સ્વામી તેની નિશ્વાર્થ સેવાથી ખુબ રાજી હતા.
એક વાર મંગળ રાત્રીના સમયે સ્વામીની પગચંપી કરતા હતા. સ્વામી સુઈ ગયા, મંગળની ચંપી ચાલુ હતી આખી રાત ચંપી કરી, સવારે સ્વામી જગ્યા, ત્યારે જોયું તો પગ ચંપી ચાલુ હતી. સ્વામી ખુબ રાજી થયા અને માથે હાથ ફેરવ્યો, થોડા દિવસોમાં સદગુરુ ગોપાળાનંદસ્વામીના આશીર્વાદથી તે મંગળ યુવાન વડોદરામાં ગાયકવાડ સરકારમાં મોટા કલેકટર બની ગયા.
સદગુરુ ગોપાળાનંદસ્વામી સત્સંગ વિચરણ માટે વડતાલ પધાર્યા. થોડા વખત પછી સ્વામી વડોદરા પધાર્યા મંગળ સાહેબને સમાચાર મલ્યાકે પોતાના ગુરૂ સદગુરુ ગોપાળાનંદસ્વામી વડોદરા આવેલ છે. તે પોતાના બીજા સાહેબોને લઈને સ્વામીને મળવા મંદિરમાં આવ્યા.

સ્વામીએ હેતથી આવ મંગળ આવ એમ આવકારો આપ્યો. પણ મંગળને મનમાં અભિમાન આવ્યું હતું કે હું મોટો કલેકટર અને સ્વામી મને તું કારે બોલાવે છે. સ્વામીમાં વિવેક નથી. મંગળ ભૂલી ગયો હતો કે આ હોદ્દો કોના આશીર્વાદ અને પ્રતાપે મળેલ છે. સ્વામીના દર્શન કરી આવું વિચારતા વિચારતા મંગળ સાહેબે ત્યાંથી વિદાય લીધી.
સદગુરુ ગોપાળાનંદસ્વામી બધું સમજી ગયા, નારાજ થઇ ગયા. થોડા વખતમાંજ તેનાથી કાંઈક ભૂલ થઇ અને ગાયકવાડ સરકારે તેને ઘર ભેગો કરી દીધો. મંગળ સાહેબ મટીને રોડ પરનો ભિખારી મંગળીયો બની ગયો. લોકો જો મંગળીયો જાય મંગળીયો જાય, એમ બોલવા લાગ્યાં અને ફરજીયાત સાંભળવું પડતું, સ્વામીનો સ્નેહ ભર્યો શબ્દ મંગળ નહોતો ગમ્યો, અને લોકો દ્વારા મંગળીયો સાંભળવાનો સમય આવ્યો.
સંતના રાજીપાથી મુક્તિ અને ભુક્તી બન્ને મળે અને કુરાજીપાથી પતન થાય છે.
સ્વામિનારાયણ ભગવાન એકવાર રાજકોટ પધારેલા. રાજકોટના હાલના મંદિરમાં બોરડીનું ઝાડ છે, ત્યાં સભા ભરાઈને બેઠી હતી, ત્યાં સર માલ્કમ માર્શલ અંગ્રેજ સભામાં આવેલ, અને ત્યાં મહારાજે તેમને જીવન જીવવાની જડીબુટ્ટી એવી “શિક્ષાપત્રી” ભેટ આપેલ. સભા પતી ગયા પછી, બધા ઉભા થયા ત્યારે સદગુરુ ગોપાળાનંદસ્વામી પણ ઉભા થયા.
ત્યારે બોરડીનો કાંટો શ્રી સદગુરુ ગોપાળાનંદસ્વામીની પાઘમાં ભરાયો, ત્યારે સદગુરુ ગોપાળાનંદસ્વામીથી બોલી જવાયું…
“અલી બોરડી, તારી નીચે અક્ષરધામનાં અધિપતિ બિરાજમાન છે
અને તારો કાંટાળો સ્વભાવ ના ગયો”
અને બોરડી પોતે પ્રાયશ્ચિત કરતી હોય તેમ બોરડીનાં તમામ કાંટા ત્યાંજ ખરી પડ્યા. આજે પણ કાંટા વિનાની એ બોરડી રાજકોટના સ્વામિનારાયણ મંદિરમાં છે અને તેના મીઠા બોર આજે પણ ઠાકોરજીને ધરાવાય છે.

એકવાર સદગુરૂ ગોપાળાનંદસ્વામી સારંગપુર પધાર્યા. સારંગપુર નરેશ વાઘાખાચરની વિનંતીથી કમાઉ ભાઈ સ્વરૂપ કષ્ટભંજનદેવ શ્રીહનુમાનજી મહારાજની સારંગપુરમાં પ્રતિષ્ઠા કરીને સદગુરૂ ગોપાળાનંદસ્વામીએ આધ્યાત્મિક વિશ્વમાં એક ભવ્ય ઇતિહાસનું સર્જન કર્યું છે.
સદગુરૂ ગોપાળાનંદસ્વામીએ કાનજી કડિયાને બોલાવીને પસંદ કરેલા પથ્થરનાં કદ પ્રમાણે એક કાગળ પર સ્વહસ્તે હનુમાનજીની સુંદર પ્રતિમા દોરી આપી અને કહ્યું કે
”આ પથ્થરમાંથી આવી સુંદર મૂર્તિ બનાવી આપો.”
કાનજી કડિયાએ સ્વામીએ દોરી આપ્યા મુજબની શ્રીહનુમાનજીની સુંદર મૂર્તિ બનાવી આપી.
સદગુરૂ ગોપાળાનંદસ્વામીનાં કહેવા પ્રમાણે સંવત ૧૯૦૫ નાં આસો વદ પાંચમનાં રોજ મૂર્તિની પ્રતિષ્ઠા કરી અને નૈષ્ઠિકવ્રત ધારી શુકાનંદસ્વામી અને ગોવિંદાનંદસ્વામી બન્નેએ પ્રતિષ્ઠાની આરતી ઉતારી, આરતી પછી સદગુરૂ ગોપાળાનંદસ્વામીએ પોતાની હડપચી નીચે એક દંડ રાખીને મૂર્તિમાં ઐશ્વેર્ય મુકતા ગયા.
જેમ જેમ સ્વામી ઐશ્વર્ય મુકતા ગયા તેમ તેમ મૂર્તિ ધ્રુજવા લાગી અને મૂર્તિ ચેતનવંતી અને પ્રકાશમાન થવા લાગી અને જેમ જેમ સ્વામી વધુ ઐશ્વર્ય મુકતા ગયા તેમ તેમ મૂર્તિ થર થર ધ્રુજવા લાગી, સદગુરૂ ગોપાળાનંદસ્વામી મૂર્તિ પ્રત્યક્ષ બોલે તેવું ઐશ્વેર્ય મુકવા માંગતા હતા.
ત્યારે બાજુમાં ઉભેલા ધોલેરાના ગરાસિયા ભોજાભક્ત બોલી ઉઠ્યા કે સ્વામી સારંગપુરની બાજુમાં જ આવેલ ગઢપુર, ધોલેરા જેવા મોટા મંદિરો આવેલા છે અહી જો આટલું બધું ઐશ્વેર્ય મુકશો તો ત્યાં દર્શન કરવા કોણ જશે?.
સદગુરૂ ગોપાળાનંદસ્વામીની એકાગ્રતા તૂટી. સદગુરૂ ગોપાળાનંદસ્વામી બોલ્યા કે…
“અમારે તો હાજરાહજૂર પ્રત્યક્ષ હાજર થાય, તેવા હનુમાનજીની પ્રતિષ્ઠા કરવી હતી “
પણ હવે એટલું બસ. આજથી આ હનુમાનજી દિન દુખિયા બધાના કષ્ટ કાપશે. તેથી ‘ કષ્ટભંજન હનુમાનજી’ તરીકે ઓળખાશે. અને ભક્તિમય વાતાવરણમાં બધા એક સાથે બોલી ઉઠ્યા, બોલો

“કષ્ટભંજન હનુમાનજીની જય.”
આજે આ કષ્ટભંજન હનુમાનજી દેશ વિદેશના તમામ ભક્તોનાં કષ્ટ કાપીને તેમને સુખિયા કરી રહ્યા છે.
‘‘ ઓમ નમો હનુમતે ભય ભંજનાય સુખં કુરુ ફટ્ સ્વાહા ’’

ઇડર દેશના બ્રામ્હણોનો સમુદાય ટોરડા આવીને સદગુરૂ ગોપાળાનંદસ્વામીને મળ્યો અને પોતાની ઉપર આવેલ રાજકીય આફતની વાત કરી. વાત એમ હતી કે ઇડરના રાજાએ બ્રામ્હણો ભિક્ષા માગીને જે મેળવે તેની ઉપર ટેક્ષ્ એટલે કે ‘‘ વટલોઈ વેરો ’’ શરૂ કર્યો.
બ્રામ્હણોના સમુદાયે રાજાને આ રીતે ભિક્ષા ઉપર ટેક્ષના નંખાય માટે વટલોઈ વેરો બંધ કરો એમ ઘણી વિનંતી કરી પણ રાજા એકના બેના થયા.

બ્રાહ્મણોએ ગોપાળાનંદ સ્વામી પાસે જઈ વિનંતી કરી તેથી આ વાત સાંભળી, બ્રામ્હણોનાં સમુદાય સાથે સદગુરૂ ગોપાળાનંદસ્વામી ઇડર આવી રાજાને મળ્યા અને વિનંતી કરી, કે વટલોઈ વેરો દુર કરો, પણ રાજા સદગુરૂ ગોપાળાનંદસ્વામીની મરજીના સમજી શક્યા.
સ્વામી અને બ્રામ્હણોનો સમુદાય ઇડરની ભાગોળમાં આવીને એક ઝાડ નીચે બેઠા એટલામાં રાજા, અને રાજાના પરિવારના તમામના, મળ-મૂત્ર બંધ થઇ ગયા. અને બધા ખુબ અકળાવા લાગ્યા. બહુ ઉપાય કર્યા, છતાં પરિણામ શૂન્ય.
પછી રાજાને યાદ આવ્યું કે, કોઈક મોટા પુરુષનો અપરાધ થયો છે. અને રાજા અને પ્રધાન વગેરે સદગુરૂ ગોપાળાનંદસ્વામી અને બ્રામ્હણોનો સમુદાય જ્યાં હતા, ત્યાં આવીને માફી માંગી. અને વટલોઈ વેરો તાત્કાલિક દુર કર્યો ત્યારે તેમની તકલીફ દુર થઈ.
એક વખત ઇડરમાં વરસાદ ના થયો, બધા દુઃખી થવા લાગ્યા. એટલે ઇડરના રાજાએ ટોરડા આવીને સદગુરૂ ગોપાળાનંદસ્વામીને પોતાના દુઃખની વાત કરી, સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનની ધૂન્ય કરી. અને ઇડર પંથકમાં સારો વરસાદ થયો.

ઇડર નરેશને પુત્ર નહોતો તેથી સ્વામીને વિનંતી કરી ત્યારે સ્વામીએ આશીર્વાદ આપ્યા કે ઇડરના રાજા ગંભીરસિંહ માણસાના કુંવરી જોડે લગ્ન કરે અને તે થકી તેમને એક પુત્ર રત્નપ્રાપ્ત થશે અને તેઓ સ્વામિનારાયણ ભગવાનના અનન્ય ભક્ત થશે. અને ઇડરના ગઢની તળેટીમાં ત્રણ શિખરનું શ્રી સ્વામિનારાયણ ભગવાનનું સુંદર મંદિર બનાવશે.
સમયાંતરે આ આશીર્વાદના પ્રતાપે ગંભીરસિંહ રાજાને જુવાનસિંહ નામે દીકરો થયો અને તેમણે રાજય મહેલના ઝરૂખામાંથી રાણી માતાને ભગવાનનાં દર્શન થાય તેવું અદભુત મંદિર બંધાવ્યું.
ઇડરમાં આજે પણ ત્રણ શિખરનું શ્રી સ્વામિનારાયણ ભગવાનનું સુંદર મંદિર છે. જેમાં શ્રી ગોપોનાથજી હરિકૃષ્ણ મહારાજ, શ્રી સૂર્યનારાયણ દેવ, અને સુખ શૈયા સાથે છે. જે સદગુરૂ ગોપાળાનંદસ્વામીના આશીર્વાદની સાક્ષી પૂરે છે.

શ્રી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી સદગુરૂ ગોપાળાનંદસ્વામી વડોદરા, ઉમરેઠ, વડતાલ, કલાલી, ગઢપુર, સારંગપુર, બોટાદ, વગેરે ગામોમાં સત્સંગ કરાવતા હતા. મોટે ભાગે જયારે વડતાલ આવતા ત્યારે હાલની જે એમની બેઠક છે ત્યાં તેઓનો ઉતારો રહેતો.
એકવાર સુરતના પારસી પોતાના મૂંગા દીકરાને લઈને આવેલ અને સદગુરૂ ગોપાળાનંદસ્વામીનાં દર્શન કરવા આવ્યા અને પોતાના દીકરાને જન્મથી મૂંગો છે અને દુઃખી છે એમ પોતાના દુઃખની વાત સ્વામીને કરી, બપોરનાં ઉત્થાપનનાં સમયે સ્વામીએ મેવામાં ઠાકોરજીને કેળાનો પ્રસાદ ધરાવેલ, પ્રેમથી સ્વામીએ તે પ્રસાદી બાળકને આપી પ્રસાદ ગ્રહણ કર્યા પછી બાળક તરત જ બોલ્યો કે “આ પ્રસાદીનું કેળું તો બહુ મીઠું છે.” અને પારસી સત્સંગીનું દુઃખ દુર થયું.

સ્વામિનારાયણ ભગવાન પોતાના અક્ષરધામમાં ગયા પહેલા સત્સંગની જવાબદારી અને બન્ને આચાર્ય મહરાજનાં કાંડાં સદગુરૂ ગોપાળાનંદસ્વામીને સોંપેલા. આ બંને જવાબદારી સ્વામીએ નિભાવી.
સ્વામીએ ભગવાનને રાજી કરવા નિત્ય નિયમ, મહાપુજા જેવા વિધિ પ્રવર્તાવ્યા. સદગુરૂ ગોપાળાનંદસ્વામી પોતાના ઉપદેશ વાતોમાં સ્વામિનારાયણ ભગવાનનું સર્વોપરી પણું સમજાવતા.

સ્વામી સૌરાષ્ટ્ર, કચ્છ-ભુજ, વડોદરા, ઉમરેઠ, કલાલી, અમદાવાદ, જેતલપુર, જુનાગઢ, ગઢપુર, બોટાદ, સારંગપુર, સુંદરીયાણા, રાજકોટ, લોયા વગેરે ગામોમાં વિચરણ કરી સત્સંગનો પાયો મજબુત બનાવ્યો.
સદગુરૂ ગોપાળાનંદસ્વામી સત્સંગવિચરણ માટે એકવાર ઉમરેઠ પધારેલા. રોજ મંદિરમાં કથા-વાર્તા, સત્સંગ કરાવતા હતા. માણસાના નરસિંહભાઈ વિપ્ર પ્રૌઢ વયે વિધુર થયેલ.
અંતરમાં વાસના બહુ હેરાન કરતી, બીજા લગ્ન કરવાનું વિચારતા હતા. સમાજવાળા ના પડતા હતા, ત્યાં તેમને પોતાના ગુરૂ ગોપાળાનંદસ્વામી યાદ આવ્યા તે વખતે સ્વામી ઉમરેઠમાં હતા. ત્યાં આવી શ્રી ગોપાળાનંદસ્વામીને મળીને પોતે ઘરભંગ થયા છે. અને વાસના ભોગવવાની ઈચ્છા રહ્યા કરે છે. તેથી બીજા લગ્ન કરવા છે. તેમ નિખાલસ અને નિષ્કપટ ભાવે સ્વામીને અંતરની વાત કરી.

સંભાળીને સ્વામીને દયા આવી અને નરસિંહભાઈ વિપ્રના બરડાપર પ્રેમથી હાથ મુકીને સભા મંડપની એક થાંભલી બતાવીને બોલ્યા,
“ જો આ સભામંડપની થાંભલીમાં  જો કામવાસના આવે તો તારામાં આવશે જા ’’
અને નરસિંહભાઈ વિપ્ર સંપૂર્ણ નિર્વાસનિક બની ગયા. તપ તપીને રાફડા થઇ ગયા છતાં, જેઓ કામવાસનાને મહાત કરી શકયા નથી. અને ક કળીયુગમાં સ્વામિનારાયણ ભગવાનના મહાન સંતના આશીર્વાદ માત્રથી સંપૂર્ણ નિર્વાસનિક ભક્ત બને છે.

સદગુરૂ ગોપાળાનંદસ્વામી સત્સંગવિચરણ માટે એકવાર બોટાદ પધારેલા, ત્યાં સુંદરીયાણા ગામના બે સગા ભાઈ વનાશા અને પુજાંશાને સદગુરૂ ગોપાળાનંદસ્વામીનો પરિચય થયો અને સ્વામી પાસે કંઠી ધારણ કરીને સ્વામિનારાયણ ભગવાનના સાચા સત્સંગી બન્યા અને સ્વામિનારાયણ ભગવાનનો દ્રઢ નિશ્ચય થયો. તેઓ વૈષ્ણવ હતા છતાં રોજ સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરતા અને ગળામાં કંઠી ધારણ કરતા, અને તીલક ચાંદલો કરતા, સત્સંગ કરતા અને સદગુરૂ ગોપાળાનંદસ્વામીને પોતાના ગુરૂ માનતા.
એકવાર સદગુરૂ ગોપાળાનંદસ્વામી સત્સંગ વિચરણ કરતા સુંદરીયાણા ગામમાં પધાર્યા. બન્ને ભાઈઓને સમાચાર મળતા તરત જ તેઓ સ્વામી પાસે ગયા, અને પોતાના ગુરૂને દંડવત પ્રણામ કરીને સેવા કરવા લાગ્યાં. સ્વામીએ ભાઈઓને કહ્યુંકે તમારા બાપુજીને બોલાવો, ત્યારે વનાશાએ કહ્યું કે અમે વૈષ્ણવ છીએ તેથી અમારા બાપુજી શ્રીબાલકૃષ્ણ ક્નૈયાને જ ભગવાન માને છે અને બીજા કોઈને નહિ.
તેથી અહિયા સત્સંગ કરવા નહિં આવે. સારૂ તો તમારા પિતાજી અહિયા કેવી રીતે આવે?. ત્યારે પુજાશા બોલ્યા કે તેઓ સારા નાડી વૈદ્ય છે દુશ્મનને ત્યાં પણ દવા કરવા જાય તેવા છે. સ્વામી બોલ્યા હમણાં જ માંદા પડીએ. તમારા પિતાજીને બોલાવી લાવો.
એક ભાઈ પિતાજીને બોલાવવા ગયા, અને બીજાભાઈએ ખાટલો ઢાળી આપ્યો. સ્વામી ખાટલામાં સુતા. ત્યાં વૈદપિતાજી હેમરાજસા આવ્યા. સ્વામીની હાથની નાડી તપાસી તો તેમાં ધબકારા બંધ, પગની નાડી તપાસી તો ત્યાં પણ ધબકારા બંધ. શરીર ઠંડું ગાર, અને છાતી પર કાન મુકીને ધબકારા સાંભળવા પ્રયત્ન કર્યો, ત્યાં પણ ધબકારા બંધ. અને સ્વામી સુતા સુતા વાતો કરે છે. વૈધ વિચારમાં પડી ગયા. અને સ્વામીના પગમાં પડી ગયા અને બોલ્યા કે તમે તો ભગવાન છો. તોજ આ શક્ય બને. ત્યારે સ્વામી બોલ્યા, અમારા ભગવાન તો સ્વામિનારાયણ છે. તેમની જોડે તો મારા જેવા બીજા પાંચસો પરમહંસો છે તેમાં મારો નંબરતો છેલ્લો આવે છે.

આવા વિનમ્ર સંતની વાણી સાંભળી, હેમરાજસા સદગુરૂ ગોપાળાનંદસ્વામી દ્વારા કંઠી ધારણ કરીને સ્વામિનારાયણ ભગવાનના સાચા સત્સંગી બન્યા. તેમના ગામનાં લોકો અને સમાજના લોકોએ તેમનો બહિષ્કાર કર્યો અને નાત બહાર મુક્યા. છતાં સત્સંગના છોડ્યો. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી અમદાવાદ શ્રી નરનારાયણદેવના આશ્રય અને સાનિધ્યમાં રહ્યાં અને અમદાવાદના વણિક પરિવારોએ તેમને સ્વીકાર્યા, ખુબ સુખી થયા. ગામ પરિવારજનો નો ત્યાગ કર્યો પણ કંઠી, તીલક ચાંદલાનો, સત્સંગનો ત્યાગના કર્યો.
આવા અદભુત ઐશ્વર્ય બતાવી જીવોને સ્વામિનારાયણ ભગવાનનાં દ્રઢ આશ્રિત બનાવનાર સદગુરૂ ગોપાળાનંદસ્વામીને કોટી કોટી પ્રણામ.
મહારાજની આજ્ઞાથી સંવત ૧૮૬૩માં ***14 શ્રીજી મહારાજને ભાગવતનું પુસ્તક જોઈતું હતું ભાવનગરના વિપ્ર પાસે તે હતું. શ્રીજીમહારાજે કેટલીયે વિનંતી કરી છતાં તે પુસ્તક આપતો ન હતો. ત્યારે શ્રીજીમહારાજે સ્વામીને તે કામ સોપ્યું.
સ્વામી ભાવનગર ગયા. વિપ્ર જયારે પુજા કરવા બેઠા હતા તે વખતે સ્વામી પહોચ્યા અને તેની સામે બેઠા ત્યારે વિપ્રની પૂજાના ઠાકોરજી સ્વામી સન્મુખ થઈ ગયા. વિપ્રે પોતાની સામે ઠાકોરજીને કર્યા પણ ફરી ઠાકોરજી સ્વામી સન્મુખ થઈ ગયા એમ ત્રણ ચાર વખત થયું. પછી વિપ્રને સમાધી કરાવી યમ દૂતો દ્વારા સાચુ જ્ઞાન અપાવ્યુ. ત્યારે વિપ્ર સમજી ગયા કે મારી ભૂલ થાય છે. અને પ્રેમથી ભાગવતજીનું પુસ્તક સદ્‌ગુરૂ ગોપાળાનંદસ્વામીને આપ્યું અને સ્વામી તે લઇને ગઢપુર જઈ શ્રીજી મહારાજને આપ્યું. અને શ્રીજી મહારાજે એ ભાગવતની નકલ ૧માસમાં કરીને પુસ્તક પરત કર્યું કોઈથી ન થઈ શકતા તે કામ શ્રીજી મહારાજ સદ્‌ગુરૂ શ્રી ગોપાળાનંદસ્વામીને સોપતા અને સ્વામી તરત જ પૂર્ણ કરી આવતા.

જીવનનો છેલ્લો સમય શ્રી સદગુરૂ ગોપાળાનંદસ્વામી વડતાલમાં આવીને રહ્યા અને સંવત ૧૯૦૮નાં વૈશાખ સુદ પાચમના રોજ અક્ષરધામમાં ગયા. તેમનો અગ્નિ સંસ્કાર વડતાલમાં જ્ઞાનબાગમાં કરવામાં આવેલ છે.

લોકો દર્શન કરી ધન્ય પામે તે માટે ત્યાં ઓટો કરી ચરણાવિંદ પધરાવેલા છે.