સદગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીના જન્મભૂમિનાં પ્રસાદીનાં સ્થળ
- 01 જન્મભૂમિનું ઘર
- 02 શામળાજી ભગવાન સાથે બાલક્રીડા
- 03 કોઠી
- 04 અચલેશ્વર મહાદેવજીનું મંદિર
- 05 ભોલેશ્વેરનું મંદિર – શ્રી ગણપતિજી લાડુ જમ્યા
- 06 શ્રીધારેશ્વર મહાદેવજી
સદગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીનો જ્યાં જન્મ થયો તે ઘર બહુજ પવિત્ર છે. ઘરમાં એક રસોડું અને એક મોટો રૂમ છે. જ્યાં સદગુરૂ ગોપાળાનંદસ્વામીનો જન્મ થયેલ.
ઘરના પાછળના ભાગે એક નવેરી આવેલી છે અહી શામળાજી મંદિરના ઠાકોર શામળાજી ભગવાન ખુશાલ ભટ્ટ જોડે રમવા આવતા અને બંને મિત્રો કલાકોના કલાકો સુધી બાલ ક્રીડા કરતા.
ટોરડાથી ૧૪ કિલોમીટર રાજસ્થાન બાજુ પવિત્ર પ્રસિદ્ધ શામળાજીનું તીર્થ સ્થાન આવેલ છે. જેમાં વિરાજમાન ભગવાનને કાળિયા ઠાકોર અને શામળિયાના નામથી ભક્તો બોલાવે છે.
આ શામળાજી ભગવાને ખુશાલ ભટ્ટને પોતાના મિત્ર બનાવેલ તેથી ટોરડા રોજ રમવા જતા. ખુશાલ ભટ્ટ સદગુરૂ ગોપાળાનંદસ્વામીનું બાળપણનું નામ હતું. તેમના ઘરની નવેરી પાસે મોટો બગીચો હતો ત્યાં રમતા, હિચકોખાતા ક્યારેક ખુશાલ ભટ્ટ ભગવાનને હીંચકાવતા તો ક્યારેક ભગવાન ખુશાલ ભટ્ટને હીંચકાવતા.
એકવાર શામળાજી મંદિરમાં આરતીનો સમય થવા આવ્યો પૂજારી મંદિરના દ્વાર ખોલવા માટે આવ્યા, આ બાજુ મિત્ર ખુશાલ સાથે રમવામાં ઓતપ્રોત પ્રભુને ખબર પડતાં જલદી જલદી દોડ્યા તો ઉતાવળમાં એક પગનું જાંજર, અને ખભાનો ખેસ ખુશાલ ભટ્ટને ઘરે રહી ગયો.
આ બાજુ લોકોએ પૂજારીએ જાંજરની ચોરી છે તેવું આળ ચડાવ્યું નિર્દોષ પુજારીની રક્ષા કરવા પ્રભુ મૂર્તિમાંથી બોલ્યા કે પુજારી નિર્દોષ છે, અમારૂં પગનું જાંજર અને ખેસ ટોરડા મુકામે ખુશાલ ભટ્ટના ઘરે રહી ગયેલ છે. તાત્કાલિક ઘોડે સવારોને ટોરડા મોકલ્યા, અહી ખુશાલ ભટ્ટના ઘરેથી એ વસ્તું મળી આવ્યા ત્યારે લોકોને ખબર પડી કે સાક્ષાત શામળાજી ભગવાન અને ટોરડાના ખુશાલ ભટ્ટ બન્ને મિત્રો છે.
આ વાત મંદિરના વહીવટી ચોપડામાં નોંધાયેલ છે. આમ સાક્ષાત શામળાજી ભગવાન જેમના ત્યાં ભેરૂ બનીને રમવા આવતા તે મુકત કેવા મહાન હશે..!!
એક પ્રસાદીની માટીથી લીપણ કરેલી કોઠી છે. જેમાં રાખેલ ગોળમાંથી શ્રીજી મહારાજના જન્મ સમયે બાલ ખુશાલે કોઠી જેટલો હાથ લાંબો કરીને ગોળ કાઢીને વહેચેલ. તે કોઠી પ્રસાદીની છે.
ટોરડા નિજ મંદિરથી ટાકાટુંકા ગામ તરફ જતા રસ્તામાં આ પ્રસાદીનું શ્રી અચલેશ્વર મહાદેવજીનું મંદિર આવેલ છે. સ્વામિનારાયણ ભગવાનને જયારે સદગુરૂ ગોપાળાનંદસ્વામીની સત્સંગ માટે જરૂર લાગી ત્યારે સ્વયં સ્વામિનારાયણ ભગવાન આ અચલેશ્વર મહાદેવના મંદિરે એક બ્રામ્હણનો વેશ લઈને લેવા આવેલ.
ખુશાલ ભટ્ટ જયારે ભણીને અને બધી તીર્થયાત્રા કરીને કાશીમાં અભ્યાસ કરીને પરત ટોરડા ગામમાં હાલ જ્યાં મંદિર છે ત્યાં પોતાની નિશાળ ચલાવતા હતા અને ગામના બાળકોને ભણાવી તૈયાર કરીને ભગવાનનાં મેળાપની રાહ જોતા હતા.
અચલેશ્વર મહાદેવના મંદિરમાં સ્વામી અને સ્વામિનારાયણ ભગવાનનો પ્રથમ મેળાપ થયેલ છે. તે પ્રસાદીની આ જગ્યા છે. જ્યાં ભગવાન આવીને બિરાજેલ તે પ્રસાદીની શીલા છે.
જ્યાં ગણપતિ દાદા પ્રત્યક્ષ રૂપે ખુશાલ ભટ્ટના હાથે લાડુ જમ્યા હતા. તે પ્રસાદીનું ભોલેશ્વેરનું મંદિર ટોરડા ગામમાં બૂઢેલી નદીના કિનારે આવેલ છે. જેનું બીજુ નામ શ્રી સિદ્ધેશ્વર મહાદેવજીનું મંદિર પણ છે.
એકવાર ભાદરવા સુદ ચોથનાં રોજ નાના ખુશાલ ભટ્ટ પાંચ લાડુનો પ્રસાદ બનાવીને આ મંદિરમાં ભગવાનને ધરાવવા આવેલ ત્યારે તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ગણપતિ દાદાએ બે લાડુ પોતાની સૂંઢથી લઈને માતા પાર્વતીજીને આપ્યા અને બે લાડું ભગવાન સદાશિવજીને આપ્યા અને એક લાડુ નંદીશ્વેરને આપ્યો, પાંચે લાડુ પુરા થઈ ગયા એટલે પોતાના માટે બીજા લાડુની માંગણી કરી અને ખુશાલ ભટ્ટ બીજા લાડું ઘરે જઈને બનાવી લાવ્યા અને પોતાનાં હાથે ગણપતિ દાદાને જમાડવા લાગ્યાં અને પ્રત્યક્ષ ગણપતિ દાદા લાડું જમવા લાગ્યાં. એ વાત ખુશાલ ભટ્ટની જોડે આવેલ તેમના મિત્ર કુબેર સોનીએ માતા જીવીબાને ઘરે જઈને કરી ત્યારે ગામમાં બધાને આ વાતની ખબર પડી.
તે પ્રસાદીના ગણપતિ દાદા, સદાશિવ મહાદેવજી અને માતા પાર્વતીજી આજે પણ આ પ્રસાદીના શ્રી સિદ્ધેશ્વર મહાદેવજીના મંદિરમાં સૌને દર્શન આપી રહ્યાં છે. જેનું બીજું નામ શ્રી ભોલેશ્વેરનું મંદિર છે.
ટોરડાથી ત્રણ કિલોમીટર રાજસ્થાનની બોર્ડર તરફ ડુંગર માળામાં આ પવિત્ર પ્રસાદીનું મંદિર આવેલ છે. આ મહાદેવજીની પ્રતિષ્ઠા સદગુરૂ ગોપાળાનંદસ્વામીએ કરેલ છે.
આ એવી નૈમિષારણ્ય જેવી પવિત્ર જગ્યા છે. કે જ્યાં જતાવેંત જ મનના સંકલ્પ વિકલ્પો શાંત થઇ જાય છે. અને ભગવાનની ભક્તિ કરવાનું અને ભગવાનનું ધ્યાન કરવાનું અનુકુળ એવું આ પવિત્ર સ્થાનકમાં સ્વામી નાના હતા, ત્યારે તપ અને ધ્યાન કરવા બાળકો સાથે આવતા અને અહીંથી સીધા યોગના બળે કરીને છપૈયા સ્વામિનારાયણ ભગવાન સાથે રમવા જતા અને રમીને સાંજે પરત આવતા હતા.
આ સદગુરૂ ગોપાળાનંદસ્વામીએ પ્રતિષ્ઠા કરેલ શિવલિંગ ઉપર પાણીની અખંડ ધારા થતી હતી જે ધારા આ મંદિરની થોડે નીચે આવેલ પાણીના કુંડના ગૌમુખમાંથી વહેતું હતું. તેથી આ મહાદેવજીનું નામ ધારેશ્વેર મહાદેવ પડેલ છે. ટોરડા મંદિરથી એકદમ નજીક આવેલ આ મંદિરની મુલાકાત અવશ્ય લેવી જ જોઈએ અહી અદભુત શાંતિનો અનુભવ થાય છે. અને ભગવાનની ભક્તિ કરવાનું બળ મળે છે.