સ્વતઃ સિદ્ધ ગર્ભયોગી સદ્ગુરૂ શ્રી ગોપાળાનંદસ્વામી
સદગુરૂ શ્રી ગોપાળાનંદસ્વામીનું જીવન દર્શન
સદ્ગુરૂ ગોપાળાનંદસ્વામીનો જન્મ ઉત્તર ગુજરાતના ભીલોડા તાલુકાના ટોરડા ગામે થયો હતો. પિતા મોતીરામ ભટ્ટ અને માતાનું નામ જીવીબા હતું. તેમનું બાળપણમાં ખુશાલ ભટ્ટ નામ હતું. તેમનો જન્મ સંવત ૧૮૩૭ના મહાસુદ આઠમને સોમવારે થયો હતો અને શ્રીજીમહારાજનો જન્મ સં. ૧૮૩૭ના ચૈત્રસુદ નોમના રોજ થયેલ એટલે
શ્રી નિષ્કુળા નંદ સ્વામીએ “ભક્ત ચિંતામણી’’ ના ૧૪૨માં પ્રકરણ માં લખ્યું છે. ” પ્રભુ સાથે પ્રગટીયા ખરા ભક્ત નામ ખુશાલ ”
ખુશાલ ભટ્ટના જન્મ સમયે આકાશમાં દુંદુભીના નાદ થયા હતા અને આકાશવાણી થઈ હતી કે તમારા ઘરે જે બાળકનો જન્મ થયેલ છે તે મહાસમર્થ છે, અને ધર્મનું પોષણ કરશે. એ વાત સાંભળી ખુશ ખુશાલ બનેલ માતાપિતાએ બાળકનું “ખુશાલ’’ નામ રાખ્યું. આ ખુશાલ ભટ્ટએજ આપણા “ સ્વતઃ સિદ્ધ ગર્ભયોગી સદ્ગુરૂ શ્રી ગોપાળાનંદસ્વામી ’’
બાળપણમાં ટોરડા ગામમાં રહી અનેક બાળ લીલાઓ કરી જેવી કે નાના હતા ત્યારે એક ફણીધર સર્પ તેમને આશીર્વાદ આપવા અને દર્શન કરવા આવ્યો હતો તે વખતે તેઓશ્રી નિર્ભય હતા. અને તેઓશ્રીના યોગના બળે કરીને કપીલા ગાયને સુર્યનારાયણદેવ પ્રત્યક્ષ લેવા આવ્યા તે ગામના સહુને દેખાયું. શામળાજીના શ્રીકૃષ્ણ ભગવાન સાથે બાલ ક્રીડાઓ કરી, ભોલેશ્વેર મહાદેવમાં બિરાજિત શ્રી ગણપતિદાદાને પોતાના હાથે ભાદરવા સુદ ચતુર્થીના દિવસે લાડુ જમાડ્યા.
ધારેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરી, અને ત્યાં યોગ અને ધ્યાન કરવા જતા અને કલાકોના કલાકો ત્યાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનું ધ્યાન કરતા, પાખંડી બાવાનો શાલીગ્રામ યોગના બળે કરીને પરત ના આપ્યો અને તેનો ગર્વ ઉતારી સીધો કરી સજ્જન બનાવ્યો. શ્રી સ્વામિનારાયણ ભગવાનના જન્મ સમયે મોટી ચાર પાંચ હાથ ઉંચી કોઠી માંથી” ભાચરા “નો ગોળ કાઢી ભગવાન પ્રગટ થયા તેની ખુશાલીમાં ગોળ વહેચ્યો.
ઇડરના રાજાએ નાખેલ વટલાઈ વેરો દુર કરાવ્યો, ઇડર પંથકમાં દુકાળમાં વરસાદ વરસાવી લોકોને સુખી કર્યા, જનોઈ વિધિ પૂરી કર્યા બાદ ૭મા દિવસે મુડેટીના બ્રાહ્મણ ભોળાનાથ શુક્લાજીને ત્યાં તેમને ગુરૂ બનાવી ૧૨વર્ષ માધુકરી માંગી વેદ-વેદાંત, મિમાંશા, ન્યાય શાસ્ત્ર, તર્કશાસ્ત્ર વગેરે શાસ્ત્રોનો વિદ્યા અભ્યાસ કર્યો અને સ્વામી સંવત ૧૮૪૯ના મહાસુદ પાંચમે ટોરડા પધાર્યા, અને સૌપ્રથમ રાધાકૃષ્ણ ભગવાનના મંદિરમાં આવી દર્શન કરી માતાપિતાને વંદન કર્યા.
સંવત ૧૮૪૯ના ફાગણ વદી૭મે માતાપિતાની આજ્ઞા લઈ તીર્થયાત્રા કરવા નીકળી ગયા. કાશીમાં જઈ વેદ વેદાંતમાં પારંગત બન્યા અને વ્યાકરણ કેશરીની પદવીથી વિભૂષિત થઇ, સંવત ૧૮૫૧ના કાર્તિક વદી બીજના દિવસે જગન્નાથપુરી પ્રયાણ કર્યું, ત્યાંથી સાક્ષીગોપાલ, પક્ષીતીર્થ, રામેશ્વર ,શિવકાંચી, વિષ્ણુકાંચી બધા તીર્થોમાં ફરતા ફરતા હરિદ્વારસુધીના તીર્થોમાં ફરતા સંવત ૧૮૫૫ના જેઠ સુદી એકાદશીના રોજ બદ્રીનારાયણ પહોચ્યા ત્યાં સૌ પ્રથમ નીલકંઠ વર્ણીનો મેળાપ થયો. અને સ્વામીએ પ્રભુને કહ્યું “પ્રભુ, તમારી સેવામાં બોલાવીલ્યો મારા નાથ’’ ત્યારે પ્રભુ બોલ્યા “હજુ તમારે ઘણા કાર્ય કરવાના બાકી છે સમય આવ્યે જરૂર બોલાવી લઈશું”. એમ કહી નીલકંઠ વર્ણી યાત્રાએ નીકળી ગયા અને સ્વામી ટોરડા આવ્યા.
મંદિરની બાજુમાં સભા મંડપ છે ત્યાં શાળા શરૂ કરી અને ‘‘ ભણાવે, થોડું ઘણું, ધ્યાન કરાવે શ્રી હરિ તણું… ’’ વિદ્યા સાથે બ્રમ્હવિદ્યા ભણાવે, બાળકોને નામાં-લેખાં અને હિસાબી જ્ઞાન આપતા અને વ્યાકરણ, જ્યોતિષ અને કર્મકાંડ પણ ભણાવતા. જે ભણતાં વિદ્યાર્થીને બે ,ત્રણ વર્ષ થતા, તે સ્વામી બે માસમાં ભણાવીને તૈયાર કરી દેતા. અને પછી શ્રીજી મહારાજનું ધ્યાન કરાવે, અને દિવ્ય અલોકિક આનંદની અનુભૂતિ કરાવે. ટોરડા ગામમાં રહી વરસાદ વરસાવી સુકાળ કર્યો, સર્પનો ઉદ્ધાર કર્યો, વાઘનો મોક્ષ કર્યો, મહુડો મીઠો કર્યો, આંધળાને દેખતા કર્યા, મૂંગાને બોલતા કર્યા, મરેલાને જીવતા કર્યા. જડને ચેતન કર્યા, લોકોને અભિશાપમાંથી મુક્ત કર્યા, લોકોને વરદાનની વરમાળ પહેરાવી ખુશ ખુશાલ કર્યા.
શ્રી સ્વામિનારાયણ ભગવાન સંવત ૧૮૫૯ના કાર્તિક સુદી એકાદશીના રોજ વિપ્રના વેશે શ્રી અચલેશ્વર મહાદેવના મંદિરે સત્સંગની સેવા સોપવા માટે તેડવા આવેલા. (જયાં શ્રીજી મહારાજ બિરાજેલ તે પ્રસાદીનો પથ્થર અને તે પ્રથમ મિલનની જગ્યાએ પ્રસાદીની છત્રી બનાવેલ છે.) અને તેમને જેતલપુર લઇ ગયા અને સત્સંગમાં પોતાની સાથે રાખ્યા.
મહારાજની આજ્ઞાથી સંવત ૧૮૬૩માં શ્રીજી મહારાજને ભાગવતનું પુસ્તક જોઈતું હતું ભાવનગરના વિપ્ર પાસે તે હતું. શ્રીજીમહારાજે કેટલીયે વિનંતી કરી છતાં તે પુસ્તક આપતો ન હતો. ત્યારે શ્રીજીમહારાજે સ્વામીને તે કામ સોપ્યું. સ્વામી ભાવનગર ગયા. વિપ્ર જયારે પુજા કરવા બેઠા હતા તે વખતે સ્વામી પહોચ્યા અને તેની સામે બેઠા ત્યારે વિપ્રની પૂજાના ઠાકોરજી સ્વામી સન્મુખ થઈ ગયા. વિપ્રે પોતાની સામે ઠાકોરજીને કર્યા પણ ફરી ઠાકોરજી સ્વામી સન્મુખ થઈ ગયા એમ ત્રણ ચાર વખત થયું. પછી વિપ્રને સમાધી કરાવી યમ દૂતો દ્વારા સાચુ જ્ઞાન અપાવ્યુ. ત્યારે વિપ્ર સમજી ગયા કે મારી ભૂલ થાય છે. અને પ્રેમથી ભાગવતજીનું પુસ્તક સદ્ગુરૂ ગોપાળાનંદસ્વામીને આપ્યું અને સ્વામી તે લઇને ગઢપુર જઈ શ્રીજી મહારાજને આપ્યું. અને શ્રીજી મહારાજે એ ભાગવતની નકલ ૧માસમાં કરીને પુસ્તક પરત કર્યું કોઈથી ન થઈ શકતા તે કામ શ્રીજી મહારાજ સદ્ગુરૂ શ્રી ગોપાળાનંદસ્વામીને સોપતા અને સ્વામી તરત જ પૂર્ણ કરી આવતા.
શ્રીજી મહારાજે સંવત ૧૮૬૪ના કાર્તિક વદી આઠમ ૮ના રોજ ગઢપુરની ભોમકામાં દાદાખાચરના દરબારમાં અક્ષરઓરડીમાં સવારે સ્વામીને પરમહંસની ભાગવતી દિક્ષા આપી અને “ગોપાળાનંદ સ્વામી’’ એવું નામ ધારણ કરાવ્યું.
અને મંડળ બાંધી સ્વામીને વડોદરા જવાની આજ્ઞા કરી ત્યાંથી સ્વામી વડોદરા જઈ સત્સંગ કરાવી, ફરતા ફરતા બોટાદ, સુંદરિયાણા, સારંગપુર, રાજકોટ, જુનાગઢ, ઉમરેઠ, કલાલી, વડતાલ વગેરે ગામોમાં શ્રીજી મહારાજની આજ્ઞા “સત્સંગ પ્રવર્તન” માટે સતત ભ્રમણ કરતા અને મુમુક્ષુઓને શ્રી સ્વામીનારાયણ ભગવાનના પાકા આશ્રિત અને સત્સંગી બનાવતા અને સત્સંગ કરાવતા. સ્વામી મોટે ભાગે વડતાલ વધુ રહેતા.
સંવત ૧૯૦૮ના વૈશાખ સુદ પાંચમના રોજ ભૌતિક દેહનો ત્યાગ કરીને મૂળ અક્ષર સ્વરૂપે શ્રી સ્વામિનારાયણ ભગવાનના સનીધ્યમાં સ્વધામ પહોચી ગયા. સદ્ગુરૂ ગોપાળાનંદસ્વામીના ભૌતિક દેહનો અગ્નિ સંસ્કાર વડતાલના જ્ઞાનબાગમાં કરવામાં આવ્યો. લોકો દર્શન કરીને ધન્ય બનેએ માટે ઓટો કરીને છત્રી બનાવેલ છે. સ્વામી કુલ ૪૪ વર્ષ સત્સંગની સેવામાં રહ્યાં, જેમાં ૨૨ વર્ષ શ્રીજીમહારાજ હતા તે વખતે રહ્યાં અને ૨૨ વર્ષ શ્રીજીમહારાજ સ્વધામ પધાર્યા પછી સત્સંગમાં રહ્યા.
આટલા વર્ષો વીતી ગયા છતાં આજે પણ લોકોને તેમના અલૌકિક પરચાનો અનુભવ થાય છે. યોગીવર્ય સદ્ગુરૂ શ્રી ગોપાળાનંદસ્વામી સ્વામિનારાયણ ભગવાન સાથે આજે પણ પ્રત્યક્ષ સત્સંગમાં છે. તેની પ્રતીતિ અનેક લોકોને અનેક વાર થાય છે. મહાપ્રતાપી, અનંત શક્તિઓના ધારક, અક્ષરમૂર્તિ યોગીવર્ય સદ્ગુરૂ શ્રી ગોપાળાનંદસ્વામીને કોટી કોટી વંદન.